દીપ સે દીપ જલે: ભાગ – 2

November 8, 2006 at 9:18 pm 2 comments

દાદીમા

તે અલી,તું શાસ્તર વાંચવા ગઇ હતી?

દેવી

મને થોડુ વાંચતા આવડે છે?પણ અમારા ગોર મહારાજ ને તો બધુ યે આવડે હોં.

મમ્મી

ને હવે એનો જીવતો છોકરો ભલે ને અહીં ઠંડી થી ધ્રૂજે કે દૂધ નું ટીપુ યે ન પામે, પણ મરેલા ને તો મળે છે ને?(કટાક્ષથી)

દાદીમા

અલી દેવી,એ તારો મહારાજ ઉપર જઇ ને પાછો આવ્યો કે શું?

દેવી

બા,તમે યે મારી મશ્કરી કાં કરો?

દાદીમા

મશ્કરી નથી કરતી…હું તો પૂછું છું કે પછી એ ઉપર જઇ ને ગોદડા દઇ આવ્યો ને? તારા છોકરા ને હવે તો ઠંડી નથી પડતી ને?

દેવી

હા,હા…મહારાજ ને આપ્યા એટલે પહોંચી જ ગયા હોય ને? અને એ તો પાછો છે માતાજી નો ભૂવો. ધૂણે ને એટલે એને તો માતાજી હાજરાહજૂર….સંધુ યે સાચેસાચુ કઇ દે. એ બોલે એમાં મીનમેખ ન હોય. સંધાય બીવે એનાથી ને માતાજી ના કોપ થી.

મમ્મી

બા,બોલો,હવે આ દેવી ને શું કહેવુ?

દેવી

એ તો તમે બધા ભણેલા ન માનો..બાકી અમારા જેવા અભણ ને તો એનો જ સહારો….

મમ્મી

તું નહી તો યે તારા દીકરા ને તો હવે ભણાવ. એ તો થોડો સુધરે.

દેવી

તે ભણવાના પૈસા ક્યાંથી કાઢવા?

મમ્મી

બહાના ન કાઢ.અરે,સરકારી નિશાળ માં ભણવાના તો પૈસા યે નહીં લાગે.

દેવી

ભણી ને એ યે તમારી જેમ આવી સુધરેલી કે બગડેલી વાતુ કરવા માંડે. ના,ના,અમને એ ન પોષાય.

દાદીમા

એટલે તું શું એમ માને છે કે આ તારા મહારાજ ને ગાય આપી..એટલે તારા છોરા ને ઉપર દૂધ મળી ગયું?

મમ્મી

ને ગાદલુ ગોદડુ આપ્યા એટલે એની ટાઢ ઉડી ગઇ….બરાબર?

દેવી  (સમજી નથી શકતી)

હા…હવે મારા બચુડા ને નિરાંત…બિચારો!!!!

મમ્મી

બા.મને તો એ જ ખબર નથી પડતી કે આને સમજાવવી કેમ?બિચારી ને બધા લૂંટી .ને ઠગી જાય છે.

દાદીમા

ને હેં દેવી,આ તારો છોકરો જે જીવે છે એનું શું?

દેવી

એનું શું? જીવતુ માણસ તો ગમે ત્યાથી માગી ને યે ખાઇ લે….મરેલાને ઉપર આપવા મહારાજ સિવાય બીજુ કોણ જઇ શકે?આપણું થોડુ ઇ ગજુ છે?

મમ્મી

ને તારો ઇ મહારાજ વારેઘડી એ ઉપર નીચે જાયા કરે ને આવ્યા કરે!!!!

દાદીમા (હસે છે)

બચારા એ પાસ કઢાવી લીધો હશે……ઉપર આવવા-જવાનો !

દેવી

ના,રે,,બા.એટલી તો અમને યે ખબર છે કે ઉપર જાય એ પાછો ન આવી શકે.

દાદીમા

તો પછી તારા છોકરા ને બધું મળ્યુ કઇ રીતે?

દેવી (સમજાવતી હોય એમ)

એ તો મહારાજ ને અહીં આપો ..ને ઇ વાપરે ..એટલે
આપોઆપ ભગવાન ને ઘેર એને સંધુ યે પોગી જાય.ઇ બધા તો ભગવાન ના ભગત રહ્યા ને?એ કંઇ આપણી જેમ સામાન્ય મનેખ થોડુ છે?

મમ્મી

અરે એ તો સામાન્ય થી યે જાય તેવા છે.આપણે સામાન્ય માણસ તો સારા.. કોઇ ને છેતરીએ તો નહીં.

દેવી

બેન,એવું બોલીએ ને તો પાપ માં પડાય.ને માતાજી કોપે ને તો તો ધનોતપનોત નીકળી જાય.

દાદીમા

એટલે એનો અર્થ એ જ ને કે જે તેને દઇએ એ બધું આપણા સગાવહાલા ને ઉપર પહોંચી જાય.

મમ્મી (હસે છે)

બધું ઓંનલાઇન હવે તો……

દેવી  (એને સાંભળ્યા વિના)

હા,બા,શાસ્તર માં જ એવુ લખ્યુ છે.ને ભામણ ને આપવા જેવું બીજુ કોઇ પુન નથી.

મમ્મી

હા,પણ એ ભામણ લાયક હોવા જોઇએ.જન્મથી જ નહી કર્મથી પણ સાચા અર્થ માં બ્રાહ્મણ હોવા જોઇએ. પણ હવે તને આ બધુ સમજાવવું કેમ?” ભેંસ આગળ ભાગવત” નો અર્થ શું?

દાદીમા

હા,આને તો એની ભાષામાં..એ સમજે તેમ સમજાવી એ તો જ ગળે ઉતરે…

મમ્મી

હા,પણ..એ જ નથી સમજાતુ કે આને કેમ ગળે ઉતારવું?બિચારી છેતરાયા કરે છે.

દાદીમા

ન જાણે આવા તો કેટલાયે છેતરાતા હશે ખાસ કરીને ગામડામાં.

મમ્મી

હા,ને આપણા દેશ માં ગામડાઓ નો પાર કયાં છે?એટલે અભણ લોકો નો લાભ આવા ધૂતારા ઓ લેતા જ રહે છે.મને તો શું કરવું એ જ સમજાતુ નથી.અરે આ એક દેવી બિચારી આમા થી છૂટે તો યે સારું.

(ત્યાં તેમનો દીકરો અમન દોડતો આવે છે 11 થી 12 વરસ નો છે.હાથ માં છાપુ  છે.)

અમન

મમ્મી,,,,દાદીમા,,,(હાંફે છે)

દાદીમા

અરે,બેટા,ધીમે ધીમે…શું છે આટલુ બધું?

અમન (હાથ માં રહેલ છાપુ બતાવે છે)

જુઓ..જુઓ..આમા આપણા જ ગામ નુ કંઇક આવ્યું છે.મમ્મી.તે દિવસે તું ટી.વી.જોતી વખતે સમજાવતી હતી ને કે ભૂત-પ્રેત, દોરા-ધાગા,ભૂવા ને એવું બધું કંઇ સાચુ ન હોય.જો,આ છાપા માં પણ આવ્યું છે ને એક મહારાજ ને પોલીસે પકડયો છે ને તે કેવી રીતે લોકો ને ઠગતો હતો . ભૂવો બની ધૂણતો હતો ને બધાને હેરાન કરી ને પૈસા ને બધું પડાવતો હતો બધું આમાં આવ્યું છે.અમારા ટીચર પણ આજે આ જ બધી વાતો કરતા હતા.

મમ્મી

હા.કયારેક જરૂર એ લોકો પકડાય છે.પણ એ તો દરિયા માં તરતા બરફ ના પર્વત જેવું.એકાદ ભાગ જ બહાર આવે ને પકડાય.બાકી ની નવ ભાગ નું શું?
(નિસાસો નાખે છે.)

દાદીમા

જ્યાં સુધી સાચું ભણતર ન આવે…ગામડાના લોકો ની આંખ ન ખૂલે ત્યાં સુધી સમાજ માં આવા ધતિંગ.ને અંધશ્રધ્ધા ચાલતા જ રહેવાના.

અમન

મમ્મી,જો આમાં ફોટો પણ આવ્યો છે.

(બતાવે છે.દેવી બધી વાતો સાંભળે છે અચાનક તેનું ધ્યાન છાપા ના ફોટા પર પડે છે.)

દેવી

અરે..આ તો અમારા જ ગોર મહારાજ !!!હું કેતી’તી ઇ જ!!!!

મમ્મી

શું?તારી ગાય ને બધું લઇ ગયો હતો એ?

દેવી

હા,હા…ઇ જ..હાય…હાય…! તો ઇ બધુ ખોટુ હતું?ઇ અમને છેતરતો હતો?

મમ્મી

ખોટુ જ તો હતું.અમે એ જ તો તને કયારના સમજાવતા હતા.ને તે દિવસે તેં ય અમારી સાથે ટી.વી. માં પણ આવુ બધું નહોતુ જોયુ?કેવા બધા પકડાયા હતા તે?

દાદીમા

અલી.સમજાય છે કંઇ?

દેવી  (રડવા જેવા અવાજે)

હા,બા,મારી આંખ આજે ઉઘડી.તમારી બધી વાતુ સાચી..હવે  થાય છે કે તમારી વાત પેલા માની હોત તો? મારી ગાય ને…

મમ્મી

જવા દે હવે જે થયુ તે.યાદ કરી ને દુ:ખી ન થા.આટલે થી જ તું છૂટી ગઇ .એમ માન.ને હવે તું સમજી છો ને તો તારી આજુબાજુ ના ને પણ સમજાવજે.

દાદીમા

ને તારા છોકરા ને હવે ભણાવજે.આ હું ભણી નથી એનો મને યે આજે અફસોસ થાય છે.પણ અમારા છોકરાઓ ભણ્યા છે એટલે અમને વાંધો નથી આવતો.હવે તું યે તારા મંગા ને ભણવા મૂકજે હોં!

દેવી

હા,બા,હવે એવી ભૂલ થોડી કરુ? અરે અમારા વાસ માં યે બધાને કહીશ.

મમ્મી

સરસ….આમ જ્યોત થી જ્યોત જલતી રહે તો જ દેશ નું ભાવિ ઉજ્જવળ બને.

દાદીમા

સમાજ માં આવા કેટલા યે ધૂતારાઓ..પાખંડીઓ પડયા હશે.

મમ્મી

ને આપણું અજ્ઞાન તેને પોષતું હશે.સારું છે આ નવી પેઢી આવા બધા માં બહુ માનતી નથી ને ફસાતી નથી.

દેવી

આજે મને યે ભણતર ની કિમત સમજાણી.અમારે તો એક કાગળ વંચાવવા કે લખાવવા યે કોઇ ના ઓશિયાળા થવું પડે .ને લખનાર શું લખે કે શું વાંચે … સાચું ખોટુંએ અમને શું ખબર પડે?

મમ્મી

તો આજે ઘેર જઇ ને પહેલું કામ તારા દીકરા નું નિશાળ માં નામ લખાવવા જવાનું કરજે.સમજી?

દેવી

હા,બા.હવે એમાં તમારે કંઇ કેવુ જ ન પડે.મારી બેન ના છોરા ને યે લેતી જાઇશ. અમે ભલે ન ભણ્યા પણ હવે અમારે છોકરાઓ ને તો જરૂર ભણાવશું જ.જેથી તેઓ તો અમારી જેમ ન છેતરાય.

મમ્મી

શાબાશ!!! લે આ છાપુ યે લેતી જા.બધા ને બતાવજે.(દેવી છાપુ લે છે ને જાય છે)

મમ્મી

આજે દેવીરૂપી એક દીપ જલ્યો છે .આમ જ દીપ થી દીપ જલતા રહે ને પ્રકાશ ફેલાતો રહે.

અમન

મમ્મી…આજે સ્કૂલ માં અમારા ટીચરે અમને બધા ને પણ એક કામ કરવાનું કહ્યું છે.

દાદીમા

શું કામ?

અમન  (હસે છે)

બા, એ કામ તમારે માટે જ છે હોં!!

દાદીમા

એલા.મારે માટે વળી શું છે?

અમન

અમારા ટીચરે કહ્યું છે કે જેના ઘર માં કે આજુબાજુ માં કોઇ ને વાંચતા-લખતા ન આવડતું હોય ..તે બધાને અમારે રોજ અડધો કલાક શીખડાવવાનું છે.તો બા !(હસે છે) થઇ જાવ તૈયાર.આજ થી તમે મારા વિધ્યાર્થી ને હું તમારો શિક્ષક.

દાદીમા

એય,મને તો આવડે છે.

અમન (હસતા હસતા)

ખાલી સહી કરતા….એ ન ચાલે

મમ્મી

હા,બા,અમન ની વાત સાચી છે.તમે તે થોડુ વાંચતા –લખતા શીખી જાવ તો તમારી જાતે છાપા કે પુસ્તકો જે વાંચવું હોય તે વાંચી શકો ને?

દાદીમા

પણ…પણ….આ ઉમરે?

મમ્મી

ઉમર ને અને શીખવાને કોઇ સંબંધ નથી.

અમન

હમણા દેવીબેન આગળ તો મોટી મોટી વાતો કરતા હતા!
(હસે છે)

દાદીમા

પણ મને આવડશે હવે?પાકા ઘડે કાંઠા ચડશે ખરા?

અમન

અરે બા,મારા જેવા શિક્ષક હોય ને ન આવડે એવું બને ખરા? 

દાદીમા

ઠીક ચાલ.ભઇલા,આજ થી તું મારો ગુરૂ.

અમન (ખુશ થઇ ને તાળી પાડે છે)

વાહ! મજા આવી ગઇ.નેબા,ફી આપવી પડશે હોં.

દાદીમા

હા,ભઇ તુ જે કહે એ.તને થોડી ના પડાશે?બોલ.શું જોઇએ છે તને?

અમન

આજે તમારા હાથ ની ગરમગરમ પૂરણપોળી ને ભજીયા.

દાદીમા

જરૂર.

અમન

આજે અમારા ટીચરે અમને એક ગીત શીખડાવ્યું છે,

મમ્મી

કયું?

અમન  (ગાય છે.)

“નાના..હો કે હો ભલે મોટા,
ભણીશું ને ભણાવીશું જરૂર.
શિક્ષણ નો અહાલેક જગાવીશું,
જ્ઞાન ની જયોત જલાવીશું.
અંધશ્રધ્ધા ને ભગાવીશું.
દીપ થી દીપ જલાવીશું
આજે છીએ નાના બાળ.
કાલે કરીશું જરૂર મોટા કામ.
સપના સૌ સાકાર કરીશું .
ભારત ને મહાન બનાવીશું.”

(ગીત ગવાતું રહે છે ને પડદો પડે છે.)

Advertisements

Entry filed under: બાળ નાટકો(Drama).

દીપ સે દીપ જલે : ભાગ -1 સુ ડોકુ – 1

2 Comments Add your own

 • 1. Ami Dave,Patel  |  November 13, 2006 at 2:54 pm

  Very Nice Drama ! ! !…Is there any way we can give this message to whom which are already well educated with having Dr. degree and teaching in wellknown university of USA and doing all this kind (DUNVAANU & Mataji Pragat Thaya chhe) and beliving in this kind of Stupid stuff ?

  Reply
 • 2. nilam doshi  |  November 13, 2006 at 4:09 pm

  આપને ગમ્યું તે જાણી આનંદ.સુરેશભાઇના સૂચન મુજબ શેરી નાટક તરીકે ભજવાવા જોઇએ,વારંવાર,,તો જાગૃતિ આવવાની શરૂઆત થઇ શકે.અને એકાદ વ્યક્તિન એપણ અપીલ કરી જાય તો અંતે દીપ થી દીપ જલી શકે,આ નાટકનું નામ પણ એથી જ”દીપ થી દીપ જલે” જ છે.જે જાણ માટે.મારું આ નાટક અમે સ્કૂલમાં ખૂબ સરસ રીતે ભજવેલ છે.

  આભાર.

  નીલમ દોશી.
  http://paramujas.wordpress.com

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,897 વાંચકો

દિવસવાર ટપાલ

November 2006
M T W T F S S
« Oct   Dec »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: