છ-સાત માસના બાળકને કેમ રમાડવું

નવેમ્બર 21, 2009 at 8:58 એ એમ (am) Leave a comment

 six month baby-1

[“રીડગુજરાતી” અને “બાલમૂર્તિ”સામાયિકમાંથી સાભાર.]

છ-સાત માસના બાળકને કેમ રમાડવું એ ઘર-ઘરનો અગત્યનો સવાલ છે અને તેના ઉકેલ માટે જો દષ્ટિ હોય તો ઉપાય પણ છે જ. ઊંઘ અને આહાર પછીની આ બાબત એટલી મહત્વની છે કે તેમાં જો આપણે પૂરતી કાળજી ન લઈ શક્યા તો બાળકનો યોગ્ય ઉછેર નહિ થઈ શકે. બાળકને ઉછેરવું એટલે તેને સાચવવું એ ખ્યાલ ગલત છે. ઉછેર એ શબ્દ પર તમે તમારી ચિંતનશક્તિને કેન્દ્રિત કરશો તો તમને એ શબ્દનો સાચો રણકો અવશ્ય સંભળાશે.

આ રમત એટલે રમવા માટેનો થતો ભાવ ! એ શું હશે ? એ માનવ સર્જિત નથી, કુદરત-પ્રેરિત છે. રમકડાં અને રમતગમતનાં સાધનો માનવીએ સર્જ્યા કેમ કે તે સભ્યતા અને સંસ્કૃતિ ધરાવે છે. પણ પશુ-પંખી અને કીટપતંગ કે જેમની પાસે સભ્યતાની કંઈ સામગ્રી નથી તેમનામાં પણ આ રમતની પ્રવૃત્તિ, અવલોકન કરશો તો, જરૂર જોવા મળશે. પેટ ભરાયું હોય, ઊંઘ લઈ લીધી હોય, તેવું બાળક પોતાના ચેતન પ્રમાણેની રમત શોધી જ લે છે; અને બાળકની પ્રાણશક્તિનું માપ પણ આપણે તેના આ પ્રકારના વલણથી જ કાઢીએ છીએ. પ્રાણવાન બાળક કોને કહીશું ? જે આવી રમતો અને પ્રવૃત્તિઓ ખોળી લે છે તેને જ. પોતામાં રહેલી ચેતનાને તોળવા-કસવાનો કસબ બાળક અંત:પ્રેરણાથી જ જાણે છે અને આપણે તેની મૂક અપેક્ષા સમજી ઘટતા વાતાવરણ અને સામગ્રી ગોઠવી આપવાનાં રહે છે. આ વાત લક્ષમાં રાખી આપણે છ-સાત માસનાં બાળકોને નીચેની રીતો અને વિધિઓથી રમાડી શકીએ :

[1] દાંત આવવાને હજુ બે-ત્રણ માસની વાર હોય છે, પણ તેનાં પેઢાં આ કાળમાં ખરા થતાં હોય છે. લીલું તાજું દાતણ, રાડું, જાડી સૂતરની દોરી, નરમ લાકડાની પટી, દાણા કાઢેલી ચોળીની શીંગ, ગુવારની શીંગ, નારંગી જેવા ફળની જાડી છાલ વગેરેમાંથી કંઈ ને કંઈ તેના વિકસતા પેઢાને ખરા કરવા માટે ઉપયોગી થઈ પડશે. આ ચીજોને ચગળવી-કચરવી અને એ રીતે પેઢાંને વિકાસક્ષમ કરવાં એ બાળકનું સ્વાભાવિક વલણ છે.

[2] ઘોડિયાની ઈસ પર મંજીરાની જોડ લટકાવવી. બંને મંજીરાને બાળકના હાથ આંબી શકે એટલા અદ્ધર રાખવા. બાળક પોતાના હાથથી મંજીરાને વેગ આપશે. મંજીરા અથડાશે તો તેનો રણકાર તેની કર્ણેન્દ્રિયને આકર્ષશે. મંજીરા ઝૂલશે તે તેની આંખને જરૂરી કસરત આપશે. મંજીરાને પકડવાના વલણમાં જે બેઠા થવાનું વલણ છુપાયેલું છે તેમાં સુવિધા-સમયની અને શક્તિની આણશે.

[3] દીવાલની ખીંટી પર એવી ચીજો તે સમય પૂરતી બાંધવી કે લટકાવવી કે જેને બાળક પકડી-ખેંચી શકે, ઝુલાવી શકે. આંગળાથી ખભા સુધીના સ્નાયુ કસાવા ઉપરાંત માનસિક શ્રદ્ધા અને દઢતા માટે પણ આ રમતથી યોગ્ય ભૂમિકા ઊભી થશે.

[4] ઝૂલા કે હિંચકા પર તેના પગને એ રીતે ટેકવો કે પોતે આપેલા વેગથી તે સાધારણપણે ગતિમાન થાય. બાળકને ઉપરના ભાગથી આપણે પકડી રાખેલું હોય. પગના સ્નાયુબળ માટે આ રમત ઉપયોગી છે.

[5] ફરસ લીસી હોય તો બાળકને ઉપરના ભાગથી પકડી રાખી નાના સ્ટૂલ કે નાની પાટલી પર ઊભું રાખો. બાળક બળૂકું હશે તો પોતે ઊંચું નીચું થતાં જ પગના જોરે તે સ્ટૂલ કે પાટલી લસરવા લાગશે. જો કે આપણે પાછળ પાછળ લંઘાવું પડશે પણ બાળકની શક્તિનું માપ નીકળશે, બાળકને પોતાના સ્નાયુબળનો આનંદ મળશે.

[6] આંગળા પહોળા રહે તેમ પંજામાં આવી શકે તેવી ચીજો ઉથલાવવા પથલાવવા આપવી.

[7] પાટી ભરેલા ઢોલિયા પર બાળકને સુવાડવું. ઢોલિયા નીચેથી તેને એ રીતે ધક્કો આપવો કે બાળક જરા જેટલું ઊલળે-ઊછળે. આ હળવી કસરત છે અને પ્રમાણમાં આનંદ સારો આપે છે.

[8] એ જ રીતે બાળકને ઢોલિયા પર સુવાડેલું રાખી, બીજું દશેક વર્ષનું બાળક તે ઢોલિયા પર કૂદ્યા કરશે તો તેની આ બાળકને ઊછાળા મળશે. તેનાથી બાળક ખડખડાટ હસશે અને પોતાને રમાડનાર પ્રત્યે મનોભાવ પણ કેળવશે. આ બંને વખતે બાળક પડી ન જાય તેનો ખ્યાલ રાખવો જ.

[9] આવળનાં ફૂલ નાજૂકાઈથી ચૂંટી શકાય તેવાં હોય છે. આવડાં બાળકને માટે તે શક્ય હોય છે. તેનાં આંગળી અંગૂઠા માટેની તે હળવી કસરત બનશે.

[10] ઘરમાં લાઈટના મીટરના કબાટ પર કે એવી કોઈ જગ્યાએ લાંબા કે ચોરસ ખોખાનું બારી-બારણાવાળું ઘર ચકલાં માટે રાખવું. ચકલાં ત્યાં પોતાનો માળો કરે. ચકલીઓનું આવાગમન-ઉડ્ડયન અને ચીંચકાર બાળકને જોવાં-સાંભળવાં ગમશે. અને ચકલીઓનો અવાજ જે દિશામાંથી આવતો હશે તે દિશા પારખવામાં, તે તરફ ડોક ફેરવી નજર કરવામાં, આ ચકલીઓ જ ખરી તાલીમ પૂરી પાડશે.

[11] મૂઠીમાં આવી શકે તેવી ચીજો તેને આપવી. જેમકે નાના બટેટા, મોટી સોપારી, નાના કાચા ટામેટાં, નાનું લીંબુ વગેરે. તમામ આંગળાનો ઉપયોગ આથી કાર્યક્ષમ બનશે. આ બધી રમતોમાં આપણે તેની સાથે જ છીએ, કેમ કે બાળકની ઉંમર હજુ આપણા આધાર વિના બેસવાની કે પ્રવૃત્તિ કરવાની થઈ નથી. વળી મોંમાં ન નાખે તે પણ જોવાનું જ.

[12] આરામ ખુરશીમાં બાળકને રાખી, કપડાના નીચાણ તરફના ભાગને આપણા બે હાથ વડે દબાવી બાળકને ઝૂલવી શકાય. ફરસ લીસી હોય તો આરામ ખુરશીને હડસેલી, ફેરવી શકાય. પણ એ કરતાં ય કપડાંને બે હાથ દબાવી તેને ઝોળો આપવાની રમતમાં તેને આનંદ મળે છે અને તે પડી ન જાય તેની કાળજી સરળતાથી રહે છે.

[13] અભરાઈ કે ઘોડા પર વાટકા અઘખોલા અવળા એ રીતે રાખો કે જેથી બાળક પોતાની આંગળીઓ નીચેથી નાખી તેને આધારે વાટકા ખેસવી લે અને પોતાની ચપટીમાં ઊંચકી લે. વજન ઝીલી લેવા માટેની આ ‘અવળચંડી’ પ્રવૃત્તિનો વેંત કરવા જેવો છે.

[14] રેડિયોના બટન ફરતા આંગળાનાં ટેરવાં ફેરવવાની તક આપવી. આંગળીના સ્નાયુના હલનચલન માટે આ અને આવી રમતો દેખાવમાં મામૂલી લાગે તેવી છે, પણ ઉપયોગી નથી એમ નહિ.

[15] તેને સહેજ ઊંચા સ્ટૂલ પાસે ઊભું રાખીએ તો ટટ્ટાર થવાની ઝળૂંબવાની, ઊઠબેસ કરવાની કસરત જો તે અંત:પ્રેરણાથી કરે તો કરવા દેવી. બાળકને કેડેથી આપણે પકડી રાખવું-પોલે હાથે.

[16] ચોપડી, થાળી જેવી ચીજો તેના આંગળા વડે પકડવા દેવી. તેના હાથમાંથી તે ચીજ પડે કે તરત આપણે ઝીલી લેવાની તકેદારી રાખવી. થાળી પડે તો તેના અવાજથી બાળક ચમકે. માટે બાળક ભલે તે ઊંચકવા માટેની પોતાની શક્તિ અજમાવે, પણ પળ બે પળથી વિશેષ બાળક તેને પકડી ન રાખી શકે. એ એની મર્યાદા છે. સમય જતાં એ મર્યાદા પણ બાળક આપોઆપ વટાવી જશે.

[17] બાળક ઊંઘ લીધા બાદ આનંદ-સંતોષના લલકાર-ઉદ્દગાર કરતું હોય તો આપણે તેમાં ખલેલ ન કરવી.

[18] લોટામાંથી કે પ્યાલામાંથી પડતી પાણીની ધાર જોવાનો આનંદ આપવો.

[19] તેના હાથ પહોંચી શકે તેવડી ડોલ લેવી. પાણી ભરવું. એક કપડું ડુબાડવું. બાળક કપડાંનો છેડો પકડી પાણીમાં ઝબોળ્યા કરશે ને મજા લેશે. ડોલ ઊથલી ન પડે તેની કાળજી રાખવી.

[20] આપણી બોલવાની, જમવાની, ચાલવાની, કામ કરવાની, ઊઠવા બેસવાની – હરેક ક્રિયાઓ બાળકની નજરે પડે – બાળક પોતાની નજર દર્શન અને શ્રવણ અનુસાર ફેરવે એવા સ્થળે બાળકને રાખવું.

[21] આપણું મોં ઘડીક છુપાવવું – ઘડીક દેખાડવું. એ રમતથી બાળક ખિલખિલ હસશે.

[22] પોતાના પંજાની થાપ આપણી હથેળી પર, આપણી પીઠ પર અને છેવટે નાની ખંજરી પર આપે તેમ કરવું. આ કાળે પોતાની મૂઠીની થાપ પોતાના પેટ પર બાળક આપતું હોય છે. પોતાના પગનાં તળિયાં મોં સુધી લાવી પગનો અંગૂઠો મોંમાં પણ લે છે. આ બધું, બે હાથ-બે પગની મદદથી ચાલવાનું છે, તેની પૂર્વતૈયારી રૂપે છે.

[23] શિયાળાની સવારના તડકામાં તેને તેલ માલીશ કરીને રાખવું. એ રીતે રાખશો કે દીવાલ પર તેનો પડછાયો પડે, એ પડછાયાથી આકર્ષાઈ ઊઠ-બેસની ઝળૂંબવાની, હાથ હલાવવાની ક્રિયાઓ-કસરતો સહજ ભાવથી તે અવશ્ય કરશે.

[24] હાથમાં કાગળ-છાપાનો કે કોઈ બીજો કાગળ આપો. બે હાથે તે ખેંચવાની અને ખેંચવાથી થતો અવાજ સાંભળવાની તેને મજા આવશે. પોસ્ટકાર્ડ જેવું પાતળું પૂઠું વાળવા-મચળવાની મજા પણ તે લઈ શકશે.

[25] વાહનોની અવરજવરમાં ગતિ અને ધ્વનિ બાળકને આકર્ષે છે. પવનની લહેરથી ઝૂલતી ડાળ પરનું ફૂલ જોવું તેને ગમશે. પાંદડાંનો મર્મર ધ્વનિ કે ઝાડની ડાળ પર લટકતી સુકાયેલી શીંગમાં ઝૂલવાને કારણે ખખડતા બીનો તાલબદ્ધ ધ્વનિ તો તે કાન દઈને સાંભળશે જ. ઘૂઘરાની શોધ તે પરથી જ થઈ હશે. પ્રયત્ન હશે તો ડોક ઊંચી કરી, હાથ લંબાવી, બાળક તે શીંગ હાથમાં લેશે, ખેંચશે અને ડાળખી નમશે એટલે એનો આનંદ અનુભવશે. તૂટશે તો પણ આનંદ અનુભવશે. આ માટે આવળનો છોડ અનુકૂળ રહેશે.

[26] હિંડોળા કે ખાટ પાસે નાનું સ્ટૂલ રાખી બેસો. બાળકને ખોળામાં રાખી તેના પગ ખાટને ધક્કો આપી શકે તે રીતે ગોઠવાઓ. બાળક અમથું ય હાથ-પગ હલાવતું હોય છે. પણ આ ક્રિયાથી-પોતાના પગ લંબાવવાથી – ખાટ હડસેલાઈ તે વિશે તે સભાન કે સજાગ ન હોય, પણ જો આ ક્રિયા તેના ગજા પ્રમાણેની હશે તો એનું શારીરિક અને માનસિક ફળ છે જ.

આવડાં બાળક માટેની આવી રમતો દષ્ટિ હોય તો યોજી શકાય. ઘરમાંની સામગ્રીનો બાળકની ઉંમર અને જરૂરિયાત પ્રમાણે રમતની દષ્ટિથી ફુરસદની વેળાએ તખ્તો ગોઠવવો જ જોઈએ અને બાળક વાળા માટે તો ફુરસદનો એ જ ઉત્તમ ઉપયોગ હશે. વિચાર કરો, બાળકને નોકરને સોંપી શકાય ખરું ? સિવાય કે નોકર બાળકને રમાડવાની આ દષ્ટિથી કેળવાયેલો હોય. નોકરને રાખતાં પહેલાં આપણે એમ કેમ નહિ પૂછતાં હોઈએ : ‘ભલા, બાળકને રમાડતાં તને આવડે છે ?’ બાળકને રમાડવું એ કળા અને શાસ્ત્રીયતા માગી લે છે. બાળકને રમાડવું એટલે તેના ફરતા ચેતનને વાતાવરણ અને સામગ્રીથી સીંચવું. આવી શુદ્ધતામાં છુપાયેલી વિશેષતા તરફ મેં તમારું ધ્યાન ખેંચ્યું છે. માત્ર ખવડાવી-પીવડાવી મોટું કે તગડું કરવું એ જ બાળઉછેરનો ઉદ્દેશ નથી. તેના સ્નાયુ અને તેના પ્રાણની કાર્યક્ષમતા અને ચેતનક્ષમતા અનુસાર તેને કંઈક ને કંઈક ઊંઘ અને આહાર સિવાયની પળેપળમાં મળતું જ રહે તે આપણે આગ્રહપૂર્વક અને જાગ્રતપણે જોતાં, વિચારતાં અને આચરતાં રહેવું જોઈએ.

Advertisements

Entry filed under: બાળશિક્ષણની રીતો, શિક્ષણ વિચાર.

મગજની કસરત-૧ નો જવાબ ગુજરાતી ગીત જ ગવાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 225,704 વાંચકો

દિવસવાર ટપાલ

નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: