Archive for જૂન, 2010

સાચી દોસ્તી

એક પ્રાથમિક શાળામાં શિક્ષિકાબહેન બાળકોને માછલીઘર વિષે માહિતી આપી રહ્યા હતા. નાનકડો જ્હોન તલ્લીન થઈને સાંભળી રહ્યો હતો. ટીચરે બધાને ્પાણી ભરેલી એક એક કાચની જાર અને તેમાં એક એક માછ્લી આપી હતી. જ્હોન ઉભો થવા ગયો અને અચાનક જ કશુંક થઈ ગયું. તેનું પેન્ટ તરબતર ભીનું થઇ ગયું અને પગ પાસે પણ મોટું ખાબોચિયું ભરાઇ ગયું. જ્હોન ગભરાઇ ગયો અને રડુરડું થઇ ગયો. તેને થયું હમણાં ટીચર આવશે અને તેને ધમકાવશે. બધા મિત્રો પણ તેની મજાક ઉડાવશે. તે વખતે જ ટીચર તેની સામે જોઇ કાંઇક બોલવા જતા હતાં ત્યાં જ નાનકડી સુઝાન ઉભી થઇ જ્હોન પાસે ધસી આવી અને તેનાથી પોતાના હાથમાં રાખેલી પાણી ભરેલી કાચની જાર જ્હોન પર પછડાઇ. જ્હોનનાં બધા જ કપડા ભીના થઈ ગયા. જારમાંની ગોલ્ડફીશ પણ નીચે પડી તરફડવા લાગી અને જ્હોનના પગ પાસે તળાવ ભરાઇ ગયું. ટીચરે સુઝાનને તેની બેદરકારી બદલ ઠપકો આપ્યો. રડી પડેલા જ્હોનને બાથમાં લઈ તેને બાથરૂમમાં લઈ જઈ તેના કપડા બદલાવ્યા. વર્ગનાં બધા બાળકોએ તરત જ સાવરણો અને પોતું લઈ સફાઇ કરી દીધી.

શાળાનો સમય પૂરો થયો બધા ઘેર જવા બહાર નીકળ્યા. જ્હોન ધીમેકથી સુઝાન પાસે પહોંચ્યો  અને આભારની લાગણીથી તેની સામે જોઇ રહ્યો. તે બોલ્યો,” સુઝાન, મને મળવાપાત્ર ઠપકો તેં સહન કરી લીધો અને મને ઠપકાને બદલે સહાનુભૂતિ મળી. તારો ખૂબ ખૂબ આભાર.”

સુઝાન બોલી,” જ્હોન, મારે  પણ એક વખત આવું જ બન્યું હતું. તેથી હું જાણું છું કે તે સમય કેવો અને કેટલો ખરાબ હોય છે. તું મારો દોસ્ત છે. એક દોસ્ત માટે આટલું કર્યં તેમાં આભાર માનવાનો ન હોય.

“આપણા પર વીતેલી ક્ષણોને યાદ રાખીએ અને એવું કોઇની સાથે બને ત્યારે તેને મદદ કરીએ. માત્ર બોલવાથી સાચી દોસ્તીની કસોટી નથી થતી. મુશ્કેલીમાં જે સાથે ઉભો રહે તેને સાચો દોસ્ત કહેવાય. આપણે પણ સાચા દોસ્ત બની રહીએ..” 

જૂન 23, 2010 at 2:46 પી એમ(pm) Leave a comment

ચારણ કન્યા

ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. “તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.” – દુલા કાગ

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે

 ગીરકાંઠાનો કેસરી ગરજે

 ઐરાવતકુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોદ્ધો ગરજે

 મોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં ગરજે

 ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ગિરિઓની ગોહરમાં ગરજે

ઉગમણો, આથમણો ગરજે

 ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે

 કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે

ઝાડ તણાં પાંદડલા કાંપે

પહાડોના પથ્થર પણ કાંપે

સરિતાઓના જળ પણ કાંપે

સૂતાં ને જાગંતાં કાંપે

જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે

કેવી એની આંખ ઝબૂકે

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઊગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !

જોગી જાણે ગુફા ઉઘાડે !

જમરાજાનું દ્વાર ઉઘાડે !

પૃથ્વીનું પાતાળ ઉઘાડે !

બરછી સરખા દાંત બતાવે

લસ લસ કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે

ફરસી લેતો ચારણ ઉઠે

ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે

ઘર ઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે

સોટો લઈ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે

દૂધમલા ગોવાળો ઊઠે

મૂછે વળ દેનારા ઊઠે

ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે !

 જાણે આભ મિનારા ઊઠે !

 ઊભો રે’જે !

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા

ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

– ઝવેરચંદ મેઘાણી

જૂન 21, 2010 at 8:08 એ એમ (am) Leave a comment

મને ટી.વી બનાવી દો

એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો.નિબંધનો વિષય છે—“જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???”

બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા.

 ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું,” કેમ શું થયું???કેમ રડો છો???”

શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ”

 તેમના પતિએ નિબં ધ વાંચ્યો.

તેમાં તે બાળકે લખ્યું હતું—

 ” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.”

હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.

શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન!!!બિચારું બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!”

શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”

જૂન 8, 2010 at 4:51 પી એમ(pm) 3 comments

બધું મારે જ કરવાનું????

 

કૃતાર્થને રોજ સવારે સ્કુલે જવાનું હોય. પપ્પા રાત્રે પોતાનું કામ પતાવી મોડા ઘેર આવે.સવારના ગયેલા પપ્પાની સાથે વાતો કરવા, ધમાલ કરવાનો સમય રાત્રે જ મળે એટલે કૃતાર્થ પપ્પા આવે ત્યાં સુધી જાગે… ધમાલ કરી, વાતો કરી,પોતાના પરાક્રમો સંભળાવી પછી તે સુવા જાય ત્યારે સહેજે ૧૧ કે ૧૧-૩૦ થઈ જ જાય એટલે સવારમાં ઉઠવામાં આળસ આવે….મમ્મી બૂમો પાડતી રહે અને ભાઇસાહેબ પથારીમાંથી બહાર આવવાનું ટાળે.તેની સ્કુલમાં નિયમ કે જો બાળક ક્લાસવર્ક બરાબર કરી લે તો તેને હોમવર્ક ન અપાય આથી કૃતાર્થ મોટાભાગે ક્લાસવર્ક બરાબર જ કરી લે જેથી તેનો ઘેરે રમવાનો સમય હોમવર્ક કરવામાં બગડૅ નહીં. પણ કોઇક વાર જો હોમવર્ક મેમે આપ્યું હોય તે આવીને કહે તો નહીં જ કે મારે હોમવર્ક કરવાનું છે.આથી સવારે મમ્મી જ્યારે તેની સ્કુલબેગ પેક કરવા જાય ત્યારે ખબર પડે કે હોમવર્ક તો બાકી છે….અને ભાઇસાહેબને સવારે સ્કુલે જતાં પહેલાં હોમવર્ક કરવું પડૅ પરિણામે ૧૦૦% સ્કુલે મોડો પહોંચે. એક વખત હું તેને ઘેર હતી.મેં તેને કહ્યું બેટા,” તારે સ્કુલેથી આવીને મમ્માને કહી ન દેવાય કે મને હોમવર્ક આપ્યું છે. તો મમ્મા ધ્યાન રાખીને તને હોમવર્ક કરાવી દે.”

 તે તરત જ બોલ્યો, “દાદી, આ તે કેવું???? હોમવર્કનું મારે ધ્યાન પણ રાખવાનું,કહેવાનું પણ મારે અને પાછું હોમવર્ક પણ મારે જ કરવાનું?????”

બધું મારે જ કરવાનું????

જૂન 4, 2010 at 10:22 પી એમ(pm) Leave a comment


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

મહિનાવાર ટપાલ