વૃક્ષારોપણ

જુલાઇ 31, 2010 at 12:01 એ એમ (am) Leave a comment

ઉનાળાની સખત ગરમીમાંથી મુક્તિ આપતી તથા  ધરતી અને માનવને શાતા આપતી એવી વર્ષાૠતુ શરૂ થઇ. માહોલ આખો જ બદલાઇ ગયો. લોકો આનંદમાં આવી ગયા.ખેડૂતો રાજી રાજી થઇ ખેતીના કામમાં લાગી ગયા. કુદરતનાં ચાહકો, રક્ષકો,  વૃક્ષારોપણ માટે ક્યારના ય તૈયાર થઇને બેઠેલા જ હતા. વરસાદ પડતાંની સાથે જ બધા સક્રિય થઇ ગયા. વિદ્યાવિહાર શાળાનાં શિક્ષકો પણ પોતાના ધોરણના બાળકોને લઇને વૃક્ષારોપણ માટે વનવિભાગમાંથી રોપ લઇ આવ્યા.પાવડા,ત્રિકમ,ખાતર,રોપાઓ વિગેરે વિગેરે સામગ્રી એકઠી કરી બધા જ આગોતરા આયોજન મુજબ વૃક્ષારોપણ કરવા જવાના હતા.

આઠમા ધોરણના ટીચર પંકજભાઇ,તે બાળકોને કહી રહ્યા હતા,”જુઓ, બધાએ બને તેટલા વધારે ઝાડ વાવવાનાં છે. કોઇ થાકે નહીં. આપણા પ્રિન્સીપાલસાહેબે અને વનવિભાગનાં મોટાસાહેબે જણાવ્યું છે કે જે વર્ગનાં બાળકો સૌથી વધુ ઝાડ રોપશે તે વર્ગને શીલ્ડ મળશે અને જે વિદ્યાર્થીએ સૌથી વધુ ઝાડ રોપ્યા હશે તેવા ત્રણ વિદ્યાર્થીને અનુક્રમે ૫૦૦,૩૦૦,૨૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આપણા વર્ગને આ બધા જ ઇનામો મળે તેમ બધાએ કરવાનું છે. સમજી ગયાને???” બાળકો એકદમ ઉત્સાહમાં આવી ગયા. એક અવાજે બોલી ઉઠ્યા,”હા, હા, સાહેબ, આપણા વર્ગને જ ઇનામ મળશે.”

બધા જ વર્ગનાં બાળકો તેમને સોંપેલા વિસ્તારમાં પહોંચી ગયા અને શરૂ થઇ ગયું વૃક્ષારોપણ.બધા જ ઉત્સાહથી આ કામ કરી રહ્યા હતા….. સવારથી શરૂ કરેલું આ કામ છેક સાંજે પત્યું, ૫૦૦ રોપા વાવવાના હતા તે એમ જ થાય ને??? હા, ધોરણવાર વાલીઓનાં સમુહે જે-તે ધોરણનાં બાળકો માટે બપોરે ભરપેટ નાસ્તાની વ્યવસ્થા કરી હતી અને જે વિસ્તારમાં તે જતા ત્યાંના લોકો આ નાજુક બાળકોને આવકારતાં અને પાણી, ચા, કોફી, નાસ્તો, શરબત વિગેરે લેવા માટે આગ્રહ કરતા. બાળકો ખૂબ ખુશ હતા.

સાંજે દરેક ધોરણનાં શિક્ષકે નોંધ બનાવવા માંડી…કોણે કેટલા ઝાડ રોપ્યા તેની જ તો. અને પોતાના ધોરણ દ્વારા કેટલા ઝાડ રોપાયા તેની પણ ખરી જ. નીરજ-૨૭ ઉષા-૩૦ વિજય-૨૫ રેહાના-૩૧ નરસિંહ-૨૭ વિગેરે વિગેરે…સૌથી વધુ ઝાડ કોમલે વાવ્યા. ૩૭ ઝાડ અને સૌથી  ઓછા વાવ્યા રચનાએ.તેણે  માત્ર ૧૦ ઝાડ વાવ્યા. સાહેબે રચના સામે જોઇને જરા મોં બગાડ્યું. બધા ધોરણનાં બાળકો અને શિક્ષકો સભાખંડમાં ગોઠવાઇ ગયા. પ્રિન્સીપાલ સાહેબે બધાને આવકાર આપ્યો. હારતોરા થયા અને ધોરણવાર વૃક્ષારોપણની વિગતો બોલાવા લાગી. સૌથી વધુ વૃક્ષો વાવ્યા હતા તે ધોરણને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાયો અને તેને શીલ્ડ એનાયત થયું.બધા જ બાળકોમાં હવે ઉત્તેજના આવી ગઇ. કયા  વિદ્યાર્થીઓને ઇનામ મળશે??? અને તે ઘડી પણ આવી જ ગઇ. સૌથી વધુ ઝાડ વાવનાર ત્રણ વિદ્યાર્થીઓનાં નામ બોલાયા, તેમણે વાવેલા વૃક્ષોની સંખ્યા પણ બોલાઇ અને બધાએ જોરદાર તાળીઓ સાથે તેમને વધાવી લીધા. આ પછી સૌથી ઓછા વૃક્ષો વાવનારનું નામ પણ બોલયું. અને તે નામ હતું રચના એસ. જોષી…..અને વાવેલા વૃક્ષોની સંખ્યા????ફ્ક્ત-૧૦. બધા જ…બાળકો, શિક્ષકો, મહેમાનો માથું નકારાત્મક રીતે ધુણાવવા લાગ્યા. રચનાની આંખમાં આંસુ આવી ગયા. આ પછી વનવિભાગનાં સાહેબે રચનાને સ્ટેજ પર બોલાવી કહ્યું,”બેટા, કેમ આટલા ઓછા ઝાડ વાવ્યા?? તારી તબિયત તો સારી છે ને???” રચના કાંઇ જ ન બોલી શકી.

આ વાતને છ મહિના વીતી ગયા. એક દિવસ પ્રિન્સીપાલ સાહેબે શાળાની સામાન્ય સભામાં કહ્યું,”આપણે છ માસ પહેલાં વૃક્ષારોપણ કર્યું હતું. દરેક બાળક્ને યાદ જ હશે કે તેમણે કઇ જગ્યાએ  વૃક્ષ વાવ્યું હતું. આજે આપણે તે જગ્યાએ જઇને જોઇશું કે કોના રોપા કેટલા  મોટા થયા છે????બરાબરને???” બધા શિક્ષકો પોત પોતાના ધોરણના બાળકોને લઇને પાછા ઉપડ્યા જે-તે વિસ્તારમાં.અને  ફરી નોંધ બની. આ કામ તો બે કલાકમાં પતી ગયું. બધા સભાખંડમાં ભેગા થયા. ધોરણવાર બોલવાનું હતું કે તેમણે વાવેલા કેટલા રોપા ઉછર્યા છે????અને કયા વિદ્યાર્થીના સૌથી વધુ સંખ્યામાં અને સૌથી વધુ ઉંચાઇવાળા થયા છે???? પહેલાં કરતાં સાવ જ અલગ દ્રશ્ય જણાયું. સૌથી વધુ વૃક્ષ વાવનારના ત્રણ વિદ્યાર્થીઓનાં માત્ર સાત, ચાર અને ત્રણ જ રોપા ઉછર્યા હતા. અને…….અને …….

પ્રિન્સીપાલ સાહેબે પોતાના હાથમાંના કાગળૉ નીચે મૂકી જોરજોરથી તાળી પાડવા માંડી.. તે બોલ્યા, “રચના, અહીં આવ” રચના જાંણે ઉંઘમાંથી જાગી હોય તેમ ઝબકીને જાગી. તે ધીમેથી ઉભી થઇ સ્ટેજ પર પહોંચી. પ્રિન્સીપાલસાહેબ બોલ્યા, ” આ બાળકીને આપણે બધા જ તાળીઓનાં ગડગડાટથી વધવીએ. તેણે માત્ર ૧૦ જ ઝાડ વાવ્યા હતા અને આ દસેદસ રોપા સુંદર ઝાડમાં ફેરવાયા છે.” બધાએ તાળીઓથી રચનાને વધાવી લીધી.

એટલાંમાં વનવિભાગના સાહેબ પણ આવી પહોંચ્યા. તે બોલ્યા.”બેટા રચના, તારે કાંઇ કહેવું છે???” અને રચનામાં હિંમત આવી ગઈ. તે બોલી,’હા સાહેબ મારે ઘણું બધું કહેવું છે.” સાહેબે તેને માઇક આપ્યું.

રચના બોલી, “નમસ્કાર, આજે મને આપે તાળીઓથી વધાવી લીધી તે બદલ આભાર. પણ ખરેખર આ બધો માટે હું મારા દાદા-દાદીનો આભાર માનું છું. તેમણે મને કહ્યું હતું કે “રચના કાલે વ્રૂક્ષારોપણ માટે જાય છે ત્યારે દરેક છોડ વાવતાં પહેલાં બે મિનિટ માટે ઇશ્વરને પ્રાર્થના કરજે કે”હે વૃક્ષદેવતા આજે હું તમને અહીં પધરાવું છું. કેમેકે અમારે માનવજાતને જો જીવવું હોય તો અમે તમારા થકી જ જીવી શકીશું. તમે ખૂબ ખુશ થઇને ઉછરજો અને અમને તથા બીજા પશુપંખીને પણ ખૂશ કરજો” હું આવી પ્રાર્થના દરેક રોપાને વાવતી વખતે કરતી હતી એટલે મને બહુ જ વાર લાગી અને ખૂબ ઓછા ઝાડ રોપાયા. પણ મને જાણીને આનંદ થાય છે કે મારા વાવેલા દસેદસ રોપા સરસ મઝાના ઝાડ બની ગયા છે. એનો અર્થ એ કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે જ છે. ”

રચના આગળ બોલી, “હું મારા મમ્મી-પપ્પાનો પણ ખૂબખૂબ આભાર માનું છું.તે હંમેશાં કહે છે કે નાના નાના છોડ તે તો નાના બાળક જેવા છે. તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડૅ. રોપા વાવ્યા પછી નિયમત તેને પાણી આપવું પડે. વખતો વખત ખાતર નાંખવું પડૅ અને તેને કોઇ તોડી ન જાય , ઘેટા,બકરા,ગાય તેને ખાઇ ન જાય તેનું પણ ધ્યાન રાખવું પડે. મારા પપ્પા કામ પરથી થાકીને આવ્યા હોય તો પણ મને તેમના બાઇક પર બેસાડી મેં વાવેલા રોપા જોવા લઈ જતા અને કહેતા,”બેટા,આ રોપા પર હાથ ફેરવી તેને વહાલ કર. તે જરૂર સરસ ઉગશે.” અને મમ્મી તો મેં જે જગ્યાએ રોપા વાવેલા તે વિસ્તારના બધા જ ઘરવાળાને કહી આવ્યા હતા કે “રોપાને બરાબર પાણી આપજો” મમ્મીએ તો અમારા નોકર છનાભાઇ પાસે ગામડેથી કુદરતી ખાતર પણ મંગાવ્યું હતું અને મને દર અઠવાડીયે સાથે લઇ જતા.અને અમે રોપાની આસપાસ સહેજ સહેજ ખોદી કુદરતી ખાતર ભેળવતા અને માટીને થોડી થોડી ખોદી આવતા. મમ્મી કહેતા, “બેટા, ઝાડના પાન હવામાંથી પ્રાણવાયુ લઇ લેશે પણ મૂળને તો પ્રાણવાયુ જોઇશે ને???આપણે માટી ખોદીએ એટલે જમીનના કણૉ વચ્ચે હવા ભરાય અને છોડને પ્રાણવાયુ મળે અને ખાતર આપીએ એટલે તેને પોષણ મળે.” રચના આગળ બોલી,” હું આપ બધાનો આભાર માનું છું કે આપે મને ધરતીમાતાની અને વૃક્ષદેવતાની સેવા કરવાની આવી તક આપી.” અને તે સ્ટેજ પરથી ઉતરવા જ જતી હતી ત્યાં વનવિભાગના સાહેબે તેને બોલાવી.તેની પીઠ થાબડી અને ૧૦૦૦ રૂપિયાનું ઇનામ પોતાના તરફથી આપ્યું. બધા એ તેને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી….. પ્રિન્સીપાલસાહેબ અને પંકજભાઇ પણ ખૂબ ખુશ હતા.આટલા બધામાંથી સાચું વૃક્ષારોપણ કોઇકે તો  કર્યું જ અને બધાને ઉદાહરણ પૂરું પાડ્યું.

Advertisements

Entry filed under: પ્રેરકવાતો. Tags: .

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં કોયડાનો ઉકેલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: